Revelation of John 14

1પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર [સંતો] હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. 2મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી આકાશમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી;

3તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુમ્માળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઇ એ ગીત શીખી શક્યું નહિ. 4સ્ત્રીઓ [ના સંસર્ગ] થી જેઓ અપવિત્ર નથી થયા તેઓ એ છે; કેમકે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારુ તથા હલવાનને સારુ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા; 5તેઓનાં મોંમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.

6પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ રાષ્ટ્ર, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે જીવંત સુવાર્તા હતી; 7તે મોટે અવાજે કહે છે કે, ‘ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમકે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.’

8ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને એમ બોલ્યો કે, ‘પડ્યું રે, મોટું બેબિલોન શહેર પડ્યું કે, જેણે પોતાના વ્યભિચાર [ને લીધે રેડાયેલો] કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશ [ના લોકો] ને પાયો છે.’

9પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઇ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે, 10તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂરો રેડેલો છે, તે પીવો પડશે; અને પવિત્ર દૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે;

11તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યા કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઇ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી. 12તેમાં પવિત્ર સંતોની ધીરજ, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તેઓની ધીરજ [રહેલી] છે.

13પછી મેં આકાશથી એક વાણી એવું બોલતી સાંભળી કે, ‘તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મૃત્યુ પામે છે, તેઓ આશીર્વાદિત છે; આત્મા કહે છે, હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે; કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે.’

14પછી મેં જોયું, તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળા પર માણસના દીકરાના જેવા એક [પુરુષ] બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાતરડું હતું. 15પછી ભક્તિસ્થાનમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા [પુરુષ] ને મોટા અવાજે હાંક મારી કે, ‘તમે તમારું દાતરડું ચલાવીને કાપો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે, અને પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.’ 16ત્યારે વાદળા પર બેઠેલા [પુરુષે] પૃથ્વી પર પોતાનું દાતરડું ચલાવ્યું; એટલે પૃથ્વી પરનાં પાકની કાપણી કરવામાં આવી.

17ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક દૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારદાર દાતરડું હતું. 18અને બીજો એક દૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે તે, વેદી પાસેથી બહાર આવ્યો; તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું તેને મોટા અવાજે કહ્યું કે, તું તારું ધારદાર દાતરડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે; કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે.’

19ત્યારે તે દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું, અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને કાપી લીધાં, અને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં. દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, દ્રાક્ષાકુંડમાંથી ત્રણસો કિલોમીટર સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહેવા લાગ્યું.

20

Copyright information for GujULB